Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: પાટીદાર બાદ કોળી સમાજ મેદાને, મુખ્યમંત્રી અમારા સમાજના જ હોવા જોઈએ

પ્રાચી ખાતે કોળી સમાજની અગત્યની ચિંતન શિબિર યોજાઈ, કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવા ઉઠ્યો સૂર.

X

ગીર સોમનાથના સુત્રાપાડા પ્રાચી ખાતે કોળી સમાજની અગત્યની ચિંતન શિબિર યોજાઈ હતી. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ મળેલ બેઠકમાં કોળી સમાજના મુખ્ય મંત્રી બનાવવા સૂર ઉઠ્યો હતો અને આ બાબતે આવનાર સમયમાં ગાંધીનગર ખાતે સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

પાટીદાર સમાજ બાદ ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજમાં પણ પોતાના સમાજના મુખ્યમંત્રી હોવાના સુર ઉઠ્યા છે.ભાવનગર ખાતે કોળી સમાજની બેઠક બાદ ગીર સોમનાથના પ્રાચી મુકામે રવિવારે અખિલ ભારતીય કોળી સમાજની અગત્યની ચિંતન બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કોળી સમાજના મુખ્ય આગેવાનો , ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મંત્રી જેઠા જોરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવો સુર ઉઠ્યો હતો.જેઠાભાઇ જોરાએ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં 45 વિધાનસભા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક હોવા છતાં અન્યાય થઈ રહ્યો છે. કોળી સમાજના સૌથી વધુ મતદાર છે અમારા આગેવાનોને નાનું ખાતું આપી દેવામાં આવે છે.

આવીજ રીતે વીર માંધાતા સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુ સોલંકી, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો એ પણ કોળી સમાજ ના મુખ્યમંત્રી હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. ચિંતન શિબિરમાં રાજકીય અને સામાજિક રીતે કોળી સમાજને મજબૂત પ્રતિનિધિ મળે તેના પર મંથન થયું હતું.અને આગામી વિધાનસભામાં સમાજને પ્રતિનિધત્વ મળે તેવી માંગ પણ કરવામાં આવશે.

પ્રાચી ખાતે મળેલ કોળી સમાજ ની અગત્યની બેઠક માં આગામી સમયમાં ગાંધીનગર ખાતે કોળી સમાજનું સંમેલન યોજવા અંગે પણ નિર્ણય કરાયો છે.ત્યારે પાટીદાર બાદ કોળી સમાજની બેઠકમાં આગામી સમયમાં રાજકીય સમીકરણો માં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાય રહ્યા છે.

Next Story