/connect-gujarat/media/post_banners/572dfdd386cbb79b91ebcfe9769479fe2c62d03f6face73a1ea693cbf30a6b43.jpg)
ગીર સોમનાથના વેરાવળ અને તાલાલા શહેરમાં ''સીરીયલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરતી કુખ્યાત ''સીકલીગર'' ગેંગને ગણતરીના દિવસોમાં ઝડપી ગીર સોમનાથ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. આરોપીઓએ વેરાવળ શહેરના ૪ તથા તાલાલા શહેરના પ ઘરોમાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હા ઉપરાંત રાજ્યમાં 100 થી વધુ ગુન્હા ની કબૂલાત કરી હતી.
વેરાવળ અને તાલાલા શહેરમાં બે દિવસમાં 11થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપી તસ્કરોએ તરખાટ મચાવી પોલીસને પડકાર ફેંક્યો હતો. જો કે વેરાવળ પોલીસના સર્વેલન્સ સ્ટાફની કુનેહ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તસ્કરોને પાંચ દિવસમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં રાજ્યની કુખ્યાત ''સીકલીગર'' ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે 50 કી.મી વિસ્તારના સેંકડો સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને તેની મદદથી ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ ફિગો કારને ટ્રેસ કરી તપાસ કરતા કાર માલિકનો પતિ મદનસિંહ સીકલીગર વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાય ચૂક્યો હોવાનું સામે આવતા વડોદરા ખાતે તેના ઘરેથી ઊંઘતો ઝડપી પાડ્યો હતો જેની પૂછતાછમાં અન્ય ત્રણ આરોપીના નામ ખૂલતાં પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
પોલીસે આરોપી મદનસીંગ દુધાણી, જોગીંદરસીંગ ભૌંડ, ગુરૂમુખસીંગ જુણી અને હરદયાલસીંગ તીલપીતીયાની ધરપકડ કરી છે. આરોપીઓ બંઘ તાળાને તોડવાના સારી રીતે જાણકાર હતા. જેથી જયારે ચોરી કરવી હોય ત્યારે કાર લઇને વડોદરાથી નિકળી નકકી કરેલ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોતાના સંબંઘીને ત્યાં પહોંચી રોકાઇ જતા હતા. જે શહેરમાં ચોરી કરવાની હોય તે શહેરના ભુગોળની જાણકાર હોય તેવા સ્થાનીક પરીચીતને સાથે રાખી પ્લાન ઘડતા હતા.
બાદમાં મઘ્યરાત્રીએ રોકાણના ઘરેથી નિકળી નકકી કર્યા મુજબ શહેરમાં પહોંચી સોસાયટી વિસ્તારોમાં ફરી બંઘ મકાન જોવા મળે એટલે ચોરીની ઘટનાને ત્વરીત અંજામ આપી દેતા હતા. આ ગેંગના સાગરીતો એક જ રાત્રી દરમ્યાન ચાર થી પાંચ ઘરફોડ ચોરીની ઘટનાને આરામથી અંજામ આપી નાસી જતા હતા. આરોપીઓએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના 100થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.