/connect-gujarat/media/post_banners/ce9fdc9af3c6521ad8e180428dfe065ebbe0168593502107580a83f9a7f60c7e.jpg)
ગીર સોમનાથના બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠ્ઠી ટર્મ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓનું શાસન સ્થપાયું છે.
અમર શહીદ ધાનાબાપા બારડ, રાજ્યના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન બારડના માદરે વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે. આઝાદી બાદ ક્યારેય પણ આ ગામમાં ચૂંટણી યોજાઇ નથી. સામાજિક અને સર્વાંગી વિકાસના પર્યાય એવા બાદલપરા ગામમાં મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવાની નેમ સાથે બાદલપરા ગામમાં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓને જ 20 વર્ષથી ગ્રામપંચાયતમાં સત્તાનું સુકાન સોંપવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા સર્વાનુમતે, સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓને સત્તા સ્થાને બેસાડે છે. ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગામ બનાવવામાં સફળ રહી છે.
આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નલ સુવિધાથી સજ્જ બન્યું છે. બાદલપરા ગામમાં આ વખતે અનુસૂચિત અનામત સીટ હતી જેથી ગામના અનુસૂચિત સમુદાયમાંથી મુક્તાબેન વાળાની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યોની બિનહરીફ વરણી સાથે છઠ્ઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે. છેલ્લી પાંચ ટર્મમાં એટલે કે 20 વર્ષમાં મહિલા શાશનમાં બાદલપરા ગામ અનેક એવોર્ડથી સન્માનીત પણ થયું છે. ગામની સમરસ મહિલા સરપંચ બોડી ગામના વિકાસને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.