Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કાળાપણ ગામના બાળકો શાળાએ નહીં, પણ પરિવાર સાથે જાય છે પીવાનું પાણી ભરવા...

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

X

ગુજરાત સરકાર ગામડાંઓના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રાજ્યભરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની બૂમો ઉઠી છે, ત્યારે ઉના તાલુકાના કાળાપણ ગામના કાળીધાર વિસ્તારમાં રહેતા 100થી વધુ પરિવારોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. ગામના લોકોને 2 કિલોમીટર દૂર સિમર રોડ પર આવેલ માત્ર એક જ નળ વાટે પાણી ભરવા જવું પડે છે. અને આ નળમાં પણ 10થી 15 દિવસે એક જ વાર પાણી આવે છે.

જોકે, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ રાજકારણીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે સરકારના ઓરમાયા વર્તન સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ચૂંટણીઓ આવે ત્યારે પ્રચાર દરમિયાન રાજનેતાઓ મોટા મોટા વાયદાઓ કરીને જતાં રહે છે.

ઉનાળાના કાળઝાળ તડકા વચ્ચે નાના બાળકો સાથે મહિલાઓ પાણી ભરતી નજરે પડે છે. જે દિવસે પાણી આવવાનું હોય તે દિવસે બાળકો શાળાએ પણ નથી જઈ શકતા, કારણે કે, આ બાળકોએ પણ પીવાનું પાણી ભરવા માટે પરિવાર સાથે કતારમાં ઊભા રહેવું પડે છે. ઉપરાંત ગામની મહિલાઓને પણ પોતાની રોજગારીના દિવસોમાં રજા પાડીને પીવાનું પાણી ભરવા જવાનો વારો આવે છે.

Next Story