Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પ્રાકૃતિક ખેતીમાં વિકાસના પંથે આગળ વધ્યા ઉના-કાજરડીના પ્રગતિશીલ ખેડૂત...

જીલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વૈભવ મેળવી રહ્યા છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત પુરવાર થયા છે.

X

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વૈભવ મેળવી રહ્યા છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત પુરવાર થયા છે.

ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના ખેડૂત ભાયા ચારણીયા વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી ધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી રહ્યા છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગીતા ઉપરાંત બીજામૃતનું પણ ખૂબ જ મહત્વ રહ્યું છે, ત્યારે આ તમામ પાસાઓની જાણકારી મેળવી ખેડૂત બાજરી અને જુવારના ઉત્પાદન થકી વાર્ષિક લાખ રૂપિયાની આવક રળે છે. ગ્રામસેવક, ખેતી વિભાગનું માર્ગદર્શન મેળવીને પ્રાકૃતિક ખેતીમાં વિકાસના પંથે આગળ વધી રહ્યા છે. તેમનું માનવું છે કે, રાસાયણિક ખેતીમાં ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગના કારણે માનવ જીવન, પાણી તેમજ પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે. એટલું જ નહીં, લોકોમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધે છે. તદુપરાંત ખેતીલાયક જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી છે, જેથી ખેડૂતની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આ તમામ પરિબળોનો ઉકેલ પ્રાકૃતિક ખેતીમાં સમાયેલો છે.

ખેતરમાં આગલા વર્ષે જે બીયારણ પાક્યું હોય તેમાંથી તૈયાર કરીને જાતે જ બિયારણ વાવવામાં આવે છે. મધ્યમ પાકતી બાજરો અને જુવાર પસંદ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત મુજબ હાથથી જ નિંદણ નિયંત્રણ કર્યું છે. ખેડૂતે ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’, ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી યોજનાઓની વિવિધ માહિતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું છે. આ ઉપરાંત ખેડૂતને દર મહિને 900 રૂ. ગાય નિભાવ ખર્ચ અને શેડ બનાવવા સહિત વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવાની પણ સહાય મળી છે. ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સાકાર કરતા ખેડૂતે ગ્રાહકોને ડિજિટલ માધ્યમથી પાક વિશે જાણકારી આપી છે. જોકે, હવામાનમાં ફેરફારના કારણે પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત જોવા મળે તો તેમના નિયંત્રણ માટે, જૂની ખાટી છાશ, દર્શપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર જેવી વનસ્પતિજન્ય દવાઓ તેમજ ગૌઆધારિત નિયંત્રકોનો ખેડૂત દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

Next Story