પ્રભાસ તીર્થ ક્ષેત્રના ઐતિહાસિક અને પૌરાણીક સૂર્ય મંદિરો મુદ્દે પી.એમ.ઓની સૂચના બાદ ટુરિઝમ અને આરકોલોજી વિભાગ હરકતમાં આવ્યું છે. ટુરિઝમ અને આરકોલોજી વિભાગની ટીમે જર્જરિત સૂર્ય મંદિરોની મુલાકાત લીધી હતી.
પ્રભાસ તીર્થના હજારો વર્ષ જુના અને જર્જરિત સૂર્ય મંદિરો હાલ એકાએક ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ છે સોમનાથ નગરપાલિકાના પ્રમુખનું પી.એમ મોદીને કરાયેલું ટ્વિટ. સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફનડીના જણાવ્યા મુજબ તેઓ દ્વારા બે દિવસ પૂર્વે જર્જરિત સૂર્ય મંદિરની તસવીરો સાથે પી.એમ નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી ધ્યાન દોર્યું હતું. ટ્વીટ બાદ પીએમઓમાંથી રાજ્યના ટુરિઝમ અને આરકોલોજી વિભાગને રિપોર્ટ માટે આદેશ કરાતા બન્ને વિભાગની ટીમ પ્રભાસ તીર્થમાં આવી પહોંચી હતી અને જર્જરિત સૂર્ય મંદિરોનો રૂબરૂ મુલાકાત સાથે પાલિકા પ્રમુખ પાસેથી વિગતો મેળવી હતી.
પ્રભાસ તીર્થ ક્ષેત્રના પૌરાણિક સૂર્ય મંદિરો અંગે સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત બટુકશંકર દવેના જણાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મુજબ પ્રભાસ ક્ષેત્રમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમે 12 જેટલા સૂર્ય મંદિરોની સ્થાપના કરી હતી. પ્રભાસ તીર્થમાં જ પાંચ જેટલા સૂર્ય મંદિરો હાલ જર્જરિત સ્થિતિમાં મોજુદ છે.