Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : જેપુર ગામમાં પાણીની પારાયણ. શિયાળાની ઋતુમાં જ પાણી માટે લોકોના વલખાં...

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

X

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. પાણીની પારાયણ અંગે ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી પાણી નહીં મળતા ગ્રામજનો રોષે ભરાયા છે.

એક તરફ હજી તો શિયાળાની ઋતુ ચાલી રહી છે, અને ત્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. જેને તંત્રની લાપરવાહી કહો કે, અધિકારીઓની આળશ… કારણ કે, શિયાળામાં જ પાણીની તકલીફ પડે તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તે જેપુર ગામના લોકો જ જાણે. જુઓ આ દ્રશ્યો છે જેપુર ગામના… તાલાલા નજીક આવેલ જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી 500 મીટર જેટલા વિસ્તારમાં સ્વજલધારા યોજનાની પાઈપલાઈન બનવાની બાકી હોય, જ્યાં લોકો એક દાયકા વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે. જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે. ગામના બોરમાં પાણી ન હોય, જેથી પાણીનું વિતરણ કરી શકાતું નથી. જેમ જેમ ઉનાળો નજીક આવશે તેમ તેમ જેપુર ગામમાં અંદર પાણીનો પોકાર વધશે. વાડી વિસ્તારના ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે. તો અમુક વખત પાણી ન મળવાના કારણે 2થી 3 કિલોમીટર દૂર ગયેલ મહિલાઓ બળબળતા તાપમાં ખાલી બેડા લઈ અને ઘરે પરત ફરે છે.

હાલ જેપુર ગામમાં પંચાયત પણ નથી અને વહીવટદાર નીમવામાં આવ્યા છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી, અને હજી તો શિયાળો પૂરો નથી થયો, અને પાણીની પોકાર ઊઠ્યો છે. ગામના કૂવા અને બોરના તળમાં પાણી રહેતા નથી. જેને કારણે 5થી 7 દિવસે પાણી વિતરણ થાય છે. ગામમાં નલ સે જલની યોજના પણ છે, પરંતુ આયોજન વગર આ યોજના શું કામની..! આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો જુઠ્ઠી સાબિત થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

જોકે, છેલ્લા કેટલાક વર્ષોની સમસ્યાને લઈ હવે ગ્રામજનો પણ થાક્યા છે. નવાઈની બાબત તો એ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, અને પાણી પુરવઠા વિભાગથી લઈ મામલતદાર અને જિલ્લા કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કેમ આ ગામના લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો નથી. કે, પછી અધિકારીઓ પણ એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

જોકે, આ મામલે વસમોના યુનિટ મેનેજર ઘનશ્યામ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, જેપુર ગામે ઉનાળાના આખર સમયમાં જ પાણીની સમસ્યા રહે છે. જેપુર ગામે વસમો યોજના અંતર્ગત 500 મીટર જેટલી પાઇપલાઈનનું કામ પણ અધૂરું છે, ઉપરાંત જેપુર ગામમાં પંચાયત વિસર્જન થઈ જતા વહીવટદાર શાસન છે, અને પાણી સમિતિ અસ્તિત્વમાં નથી. પાણી સમિતિ અસ્તિત્વમાં આવ્યે મંજૂરી મળતાં જેપુર ગામમાં સત્વરે કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી પણ અધિકારી બાંહેધરી આપી હતી.

Next Story