ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરી એકવાર અચાનક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરી 40 ટ્રક ભરીને કચરો તેમજ ભંગારનો જથ્થો કાઢવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યપાલ અને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત તેમના ધર્મપત્ની અને લેડી ગવર્નર દર્શના દેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આઘાત અને આંચકો આપનારી વાસ્તવિકતા તો એ છે કે, લેડી ગવર્નર દર્શના દેવી સાથે રાજપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રત સફાઈ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, ત્યારે પણ અને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠમાંથી એક પણ વ્યક્તિ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય નથી. આચાર્ય દેવવ્રતે આવા અભિગમ સામે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે ઈચ્છાશક્તિ જોઈએ. જે પરિસરમાં 1400 જેટલા લોકો રહેતા હોય, ભણતા હોય એ પરિસરમાં આટલી ગંદકી હોય જ કેવી રીતે શકે ? તેમણે વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત શ્રમદાન કરવા આહવાન કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં 40 ટ્રક ભરીને કુડો-કચરો કાઢવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા 4 ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. 4 જેસીબી, ટ્રેક્ટર પાવડો અને વોટર ટેન્કર સહિત 40 જેટલા સફાઈ કર્મીઓ મોટા પાયે સફાઈ કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 2 દિવસ પહેલા ત્યાંથી કચરો ઉપાડ્યો હતો, તે જગ્યાએ તેમણે કોબીજ, રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળીના ધરુનું વાવેતર કર્યું હતું.