/connect-gujarat/media/media_files/2025/10/27/screenshot-149-2025-10-27-16-35-42.png)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ GP-SMASH (ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો ગત તા. 1લી માર્ચ-2025થી આરંભ કર્યો છે.
આજના ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો પોતાની વાતને અભિવ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરે છે. જેમાં લોકો પોતાની વાત સરકાર, તંત્ર કે સંબંધિત વ્યક્તિને પહોંચાડવા માટે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરીને રજૂઆત કરતાં હોય છે. આમ 'X' સોશિયલ મીડિયા માધ્યમ પર નાગરિકો દ્વારા કરાતી રજૂઆતનું નિરાકરણ લાવવા માટે ગુજરાત પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સાંભળીને યોગ્ય અધિકારી સુધી પહોંચાડવામાં આવશે. ગુજરાત પોલીસના ઓફિશિયલ 'X' હેન્ડલને ટેગ કરી જણાવેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ (GP-SMASH)ની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ ટાઈમ માટે કાર્યરત કવામાં આવી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે, એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.
GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે..!
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24*7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. ત્યારબાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે, દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે, લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ 3 લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે. GP-SMASH પહેલનો અમલ માર્ચ-2025થી કરવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 850થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે. GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર 'ટ્રેન્ડ' નહીં રહી, તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવાય છે. પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની અનુભૂતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ GP-SMASH’એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું સાબિત થયું છે.