કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ મોટા કૌભાંડનો આક્ષેપ
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો
ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર : દોશી
રેગ્યુલર ભાવ કરતા 400 ગણો વધારો કરી કોન્ટ્રાક્ટ અપાયો
સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ : ડો. મનીષ દોશી
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCLમાં કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCLમાં કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જોકે, ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હોવાનો ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે. ડો. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે, આ કામના કોન્ટ્રાક્ટમાં રેગ્યુલર ભાવો કરતા 400 ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે, જ્યાં 8 મીટરનો વીજ પોલ ઉભો કરવાનું કામ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા 830 રૂપિયામાં કરવામાં આવતું હતું, તે જ કામ હવે 3,864 રૂપિયામાં સોંપવામાં આવ્યું છે. એટલું જ નહીં 11 KV વાયર લગાવવાનું કામ જે અગાઉ 4518 રૂપિયે થતું હતું તે હવે 32,239 રૂપિયામાં આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, PGVCLની સાથે સાથે GEBની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતું, ત્યારે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો હતો.