/connect-gujarat/media/post_banners/5c4e96157f9a86dcf7ac18f7fb854a8a72a5cca684348828d8b65400f9e8f966.webp)
ગુજરાત વિદ્યાપીઠને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસની આ સૌથી મોટી વાત કહી શકાય તેમ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદના નિમંત્રણનો રાજ્યપાલે સ્વીકાર કરી દીધો છે. રાજભવન ખાતે સાભાર સ્વીકાર કરી પદ માટે સ્વીકૃતિ આપી છે. હવે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો કાર્યભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલ નિમંત્રણનો સ્વીકાર કર્યો છે, અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી. હવે વિદ્યાપીઠનો 100 વર્ષનો ઈતિહાસ બદલવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે, ગાંધીવાદી વિચારધારાને વરેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલા ભટ્ટનું ગત તા. 4 ઓકટોબરના રોજ રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ પદ ખાલી પડતાં રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે, પરંતુ કુલપતિએ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે.