હાલોલ પાવાગઢ માર્ગ બન્યો બિસ્માર
પાવાગઢ આવતા યાત્રીઓને ભારે હાલાકી
વાહન ચાલકોમાં ખરાબ રસ્તાથી રોષ
માર્ગ અને મકાન વિભાગનું બેદરકારી ભર્યું વલણ
નવરાત્રી પહેલા માર્ગનું સમારકામની ઉઠી માંગ
પંચમહાલ જિલ્લાના હાલોલ માર્ગ અને મકાન (R&B) સ્ટેટ વિભાગના બેદરકારી ભર્યા વલણને કારણે પાવાગઢ તરફના રસ્તાઓ તદ્દન બિસ્માર બની ગયા છે. જેના કારણે વાહનચાલકો સાથે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર ટીંબી ચોકડીથી પાવાગઢ તથા પાવાગઢથી શિવરાજપુરના માર્ગે ધનકુવા સુધીના માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી જતા મુસાફરી જોખમી બની ગઈ છે. ખાસ કરીને વરસાદી મોસમ બાદ આ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.
હાલોલ બોડેલી નેશનલ હાઇવેનું નવીનીકરણ થયા બાદ આર એન્ડ બી સ્ટેટ વિભાગે આ માર્ગને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. પરંતુ દોઢેક વર્ષથી કામગીરી અધૂરી રહી જતા આખો માર્ગ ખખડધજ સ્થિતિમાં પહોંચી ગયો છે.
આ માર્ગ પરથી રોજબરોજ પાવાગઢ તથા શિવરાજપુર તરફના ગામડાના લોકો હાલોલ તરફ અવરજવર કરે છે. જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે. આસો નવરાત્રી દરમિયાન લાખો પદયાત્રીઓ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવતા હોય છે.ત્યારે આ માર્ગની હાલતને કારણે તેમની યાત્રા વધુ કઠિન બનવાની પૂરી શક્યતા છે.ત્યારે સ્થાનિકોએ આર એન્ડ બી સ્ટેટ વિભાગને તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવા માંગ કરી છે.