રાજસ્થાન સહિત ઉપરવાસમાં વરસતો ભારે વરસાદ
જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક
બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા તંત્ર દ્વારા એલર્ટ
લોકોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચન
પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ
રાજસ્થાન સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જીવાદોરી સમાન બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં 16,800 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે હાલમાં દાંતીવાડામાં 3,590 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેના કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતરવા માટે તેમજ દાંતીવાડા ડેમ ઉપર પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતા આગામી દિવસોમાં ડીસા અને પાટણ સહિતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે. દાંતીવાડા ડેમની હાલમાં 580 ફૂટ જેટલી સપાટી પહોંચી ગઈ છે. જોકે, ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, ત્યારે જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ થઈ શકે છે. હાલમાં દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે.