બે દિવસ બાદ જૂલાઈ મહિનાની શરુઆત થશે. જૂલાઈ મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જૂલાઈની શરુઆત સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિ.મીની હાઈટના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે.  સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા  જણાવ્યું કે,  નાના ડેમ ઓવર ફ્લો થવાની શક્યતા છે.  જૂલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 9 થી 15માં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  વરસાદના યોગ શરૂ રહશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. તારીખ 7 જૂલાઈ પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે.  પશુઓની કાળજી રાખવા અનુરોધ કર્યો છે.

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે  રાજ્યમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.

આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.