Connect Gujarat
ગુજરાત

હિંમતનગર : કરોડોના ખર્ચે બનેલ રોડ માત્ર 2 મહિનામાં બન્યો બિસ્માર, સરકાર સામે ઉઠ્યા અનેક સવાલો..

રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે

X

હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટીપી રોડના લોકાર્પણને બે મહિના જેટલા સમયમાં જ રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રોડ રસ્તાઓ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર બની જતા હોય છે, જેને લઈને આખરે શહેરીજનો પરેશાનીનો સામનો કરતા હોય છે. ત્યારે હિંમતનગર શહેરમાં તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અક્ષર ટીપી રોડ પર અનેક જગ્યાએ કપચી ઊખડી ગઈ છે અને રોડ બેસી ગયો છે સાથે જ ખાડા પડવાના શરૂ થઈ ચૂક્યા છે. જોકે સ્થાનિકોના મત મુજબ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોવાના કારણે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે.

સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અક્ષર ટીપી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને 23 જૂન 2023 ના રોજ હિંમતનગર મત ક્ષેત્રના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે લોકાર્પણ થયાના બે મહિના જેટલા સમયમાં જ રોડ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. પાલિકા પ્રમુખે સમગ્ર બાબતે બચાવ કરતા જણાવ્યુ હતું કે ટૂંક જ સમયમાં તેનું સમારકામ કરી દેવામાં આવશે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર થાય છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીના બદલે સમારકામ કરી દેવાની વાતો કરી, સીધો જ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે.

Next Story