ચોટીલાના મોરસલ ગામ નજીક વહીવટી તંત્રના દરોડા
ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી
ગેરકાયદે વીજ જોડાણ સહિત રેતી ખનન મળી આવ્યું
7.10 કરોડના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરાય
તંત્રની કડક કાર્યવાહીના પગલે અન્ય તત્વોમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફીયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજચોરી કરતાં ભુમાફીયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં પ્રાત અધિકારી સહિતના પદાધિકારીઓએ ચોટીલાના મોરસલ ગામે દરોડો પાડ્યો હતો, જ્યાં ભોગાવો નદીમાંથી રેતી ચોરી ઝડપી પાડી હતી. એટલું જ નહીં, ગેરકાયદેસર વિજ જોડાણ સહિત આરોપીઓ ગામની સરકારી શાળામાં ગેરકાયદે વોશ પ્લાન્ટ પણ ચલાવતા હતા.
વધુમાં તેઓ સરકારી શાળાના કમ્પાઉન્ડમાં ચોરી કરેલી રેતીનો સંગ્રહ કરતા હતા. સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ સ્થળ પરથી 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, 1 JCB, 1 લોડર તેમજ વોશ પ્લાન્ટ મશીનરી મળી રૂ. 7.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે ગેરકાયદેસર રેતીની ચોરી કરનાર 2 ખનીજ માફીયાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.