અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ખાતે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવતા ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ગામમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વાવેતર લાયક વરસાદ થતાં ખેડૂતોએ 120 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પાક પણ સારો હતો, અને ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી. પરંતુ ગત સપ્તાહે પુષ્કળ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે.
હાલ પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છે, અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો. જેમાં પપૈયાના પાન પીળા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે. હવે આ છોડ પર પપૈયા નહીં થાય અને પાક નિષ્ફળતાના આરે આવ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. પણ હવે પપૈયામાં સુકારો આવી જતાં બિલકુલ ઉપજ મળે તેમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા પપૈયાના પાકની નિષ્ફળતાનું સર્વે કરાવી અને પાક નુક્શાની અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.