સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર ભારે મેઘમહેરના કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. તો લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. માણાવદર તાલુકાના કોડવાવ, થાપલા, સમેગા, મટીયાણા , આંબલીયા, પીપલાણા, માંડોદરા અને કોયલાણા સહિતના પંથકના રસ્તાઓ પાણી ભરાવાના લીધે રસ્તા બંધ છે, જેના કારણે આ ગામો સંપર્ક વિહોણાં બન્યા છે. કેશોદ તાલુકાનું મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપૂર આવતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. આ સાથે જ સાબલી નદીના પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે. ઉપરાંત ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં 4 ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યૂ કર્યું હતું. તો બીજી તરફ, તંત્ર દ્વારા લોકોને પણ નદીના પટમાં અવરજવર કરવા પર મનાઈ કરવામાં આવી છે.