ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને લઈને ST વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈપણ જાતની હાલાકી ભોગવવી ન પડે.
દરેક તહેવારમાં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે, ત્યારે આગામી દિવાળીના તહેવારમાં પણ પ્રવાસીના ઘસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. આ લોકો દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે.
દિવાળીના તહેવારને લઈને રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી જાય છે, ત્યારે પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે, જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસટી નિગમના અધિકારી કે.ડી.દેસાઈએ જણાવ્યું છે.
દિવાળીના પર્વ પર દરેક બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા વધી જતી હોય છે, એ પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયામક, તમામ ટ્રાફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરને બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. માત્ર સુરત અને અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવે તેવું આયોજન કરાયું છે.