ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી કરાય
નદી-નાળા વચ્ચે ફસાયેલા લોકોનું રેસક્યું કરવામાં આવ્યું
સગર્ભા મહિલાઓને પણ સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડાય
NDRF સહિત ફાયર ફાઇટરોની કામગીરીની લોકપ્રસંશા થઈ
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા અને મોરબી સહિતના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ હતી, જેને જિલ્લાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ સાડા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની રહેણાક સોસાયટીમાં પાણી ભરાતા પાલિકાની ફાયર ટીમે 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડતાં YKGN સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા છે, ત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાય તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પોરબંદર નજીક ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાને સારવાર માટે લાવતી વખતે રસ્તો બ્લોક થઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ હતી. રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભા મહિલા ફસાયા હતા, તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત રાણાવાવ નજીક ખોડિયાર માતાજીના મંદિરે લાવી ત્યાંથી 108 મારફત પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના મોરાણા ગામે સીમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીમાં ફસાયેલ એક વ્યક્તિનું નેવીની મદદથી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક સાથે ત્રણ સ્થળોએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ જિલ્લામાં ગામો પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને જરૂર પડ્યે મદદ કરવા તંત્ર એલર્ટ મોડ પર છે.
વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ગયેલી સગર્ભા મહિલાનું NDRFની ટીમ અને ફાયર બ્રિગેડ સાથે મળીને રેસ્ક્યુ કર્યું હતું. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હરણી સમા લિંક રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી, અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી હતી.
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે, ત્યારે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મુકવા તેમણે જણાવ્યું હતું. મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકવામાં આવે અને દવા છંટકાવ, ગટરની સાફ-સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પણ સૂચનો આપ્યા હતા.