જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યનામંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.
જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" માં સ્થાન મેળવ્યું હતું।આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા