Connect Gujarat
ગુજરાત

જામનગર : રમતપ્રેમી સંસ્થાઓ દ્વારા ધમાલગલી કાર્યક્રમ યોજાય, બાળકો-વાલીઓએ દેશી રમતોની મોજ માણી...

જામનગર શહેરમાં રમતપ્રેમી સંસ્થાઓ દ્વારા “બેક ટુ બચપન-ધમાલગલી”નું આયોજન કરવામાં આવ્યું હતું

X

સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતા અને આપણી પ્રાચીન રમતોને ભૂલી ગયેલા બાળકો માટે જામનગર શહેરમાં રમતપ્રેમી સંસ્થાઓ દ્વારા "બેક ટુ બચપન-ધમાલગલી"નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ મેદાની રમતોમાં મોટી સંખ્યામાં બાળકો સહિત તેમના વાલીઓએ અનેક દેશી રમતોની મોજ માણી હતી.

મોબાઈલમાં અટવાયેલા ફૂલ જેવા બાળકોને ખુલ્લા મેદાનમાં ખિલતા જોયા, એક તરફ ક્યાંક બાળપણ રમતું દેખાયું, તો ક્યાંક બાળપણની યાદો... જામનગરમાં ડી.સી.સી. હાઈસ્કૂલના મેદાનમાં રોટરી ક્લબ, ઇન્ટરેકટ ક્લબ અને કિડ્સ ફન ક્લબ દ્વારા "બેક ટુ બચપન ધમાલગલી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજના વ્યસ્તતા ભરેલા જીવન જીવતા માતા-પિતાએ પોતાના બાળકો સાથે ખુલ્લા મેદાનમાં અનેક રમતો રમવાની મોજ માણી હતી. બાળકોએ પણ તમામ રમતોની મોજ માણી અનેક વખત આવા કાર્યક્રમનું આયોજન થાય તેવી ઈચ્છા દર્શાવી હતી.

આજના ઉતાવળા યુગમાં સતત વ્યસ્ત રહેતા માતા-પિતા તેમના બાળકોને મોબાઈલ ગેમ્સમાં સીમિત રાખી દેતા હોય છે, જ્યારે આપણી મેદાની રમતો ધીરે ધીરે ભૂલાતી જાય છે. એવામાં મેદાની રમતોને ફરીથી જીવંત કરવા તેમજ મેદાની રમતો થકી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મેદાનમાં વહેલી સવારથી જ નાના બાળકોથી વડીલો સુધીના તમામે થેરી, ટાયર રેસ, કોથળા દોડ, સાપ સીડી અને ભમરડો ફેરવવા જેવી અનેક રમતો રમી હતી, જ્યારે વડીલોને પણ આ રમતો રમી પોતાનું બાળપણ યાદ આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Next Story