/connect-gujarat/media/post_banners/fb2d72f0cd825ea3f2bb9ccc5e4c7f572e8cd1c61e2b577852c787a5602bbb74.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં ઉમેદવારી પત્રો ભરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક જેવા કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં ઘરે-ઘરે જઈને મતદાન કરવા તેમજ પક્ષના ચૂંટણી મુદ્દાઓને લઈને ઉમેદવારો લોકોને મળ્યા હતા.
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર 15ના મેઘજી પેથરાજ સ્કૂલ, ગણેશ વાસ, ભરવાડ વાડો, ભાણુભા ચોક, નહેરુનગર, સિધ્ધાર્થ કોલોની વલ્લભ નગર, વાલ્મીકિ વાસ, રામનગર સહિતના વિસ્તારોમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને ટેકેદારોએ સહિત ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા ઘરે ઘરે જઇ લોક સંપર્ક અને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આ તકે ઉમેદવાર દિવ્યેશ અકબરીને વોર્ડ નંબર 15ની જનતાએ ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા.
તો બીજી તરફ, જામનગર વિધાનસભા 78 કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ વિધાનસભા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પેપર ફૂટવા જેવા અનેક મુદ્દાઓ લઈ લોકો વચ્ચે ગયા હતા, અને જો તે જીતશે તો આ તમામ મુદાઓને વાચા આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું. 78 વિધાનસભા વિસ્તારમાં લોક સંપર્ક સમયે ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને જનતા તરફથી પણ ખૂબ પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા.