Connect Gujarat
ગુજરાત

જામનગર : "માટી બચાવો અભિયાન" હેઠળ જનજાગૃતિ લાવવા સદગુરુનો પ્રયાસ, રાજવી પરિવારે કર્યું સ્વાગત

જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો.

X

માટી બચાવો અભિયાન હેઠળ 29 દેશોમાં 30 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી ભારત પરત ફરી રહેલા આધ્યાત્મિક સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના રાજવી જામ સાહેબના આમંત્રણને માન આપી જામનગર પધાર્યા હતા.

રાજવી જામસાહેબના આમંત્રણને માન આપી ગત રવિવારે આધ્યાત્મિક સદગુરુ જગ્ગી વાસુદેવ મસકદથી જહાજ માર્ગે તેઓ જામનગરના નવા બેડી બંદરે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને આવકારવા રાજવી પરિવાર વતી એકતાબા સોઢા સહિત આગેવાનો, નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સવારથી જ તૈયારીઓમાં લાગી ગયા હતા. બપોરે આશરે 1 કલાકે તેમનું જહાજ બેડી બંદર પહોંચ્યું હતું,

જ્યાં જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો. કચ્છી ઢોલના તાલ સાથે એકતાબા સોઢા દ્વારા તેમનું જામનગરની ધરા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક સદગુરુ "માટી બચાવો અભિયાન" હેઠળ લોકોમાં જન જાગૃતિ લાવવા દુનિયાભરમાં મોટર સાયકલ દ્વારા પ્રવાસ કરી રહ્યા છે.

જામનગરના ઈતિહાસમાં ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય ઘટના બની છે કે, જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા ખાસ વિશ્વના અનેક દેશોમાં માટી બચાવો અભિયાન અંગે જનજાગૃતિ કરી લાખો લોકોને આ અંગે જાગૃત કર્યા બાદ સદગુરુ ભારત પરત ફર્યા છે ત્યારે તેઓની જામનગરની મુલાકાત ભવ્યાતિભવ્ય બની રહે અને લોકોમાં માટી બચાવો પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે ના પ્રયત્નો જામસાહેબ તેમજ તેમની ટીમના સદસ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. અધ્યાત્મમાં ગુરુ સદગુરુ આવનારી પેઢી અને લોકોના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે માટી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે

તેમના આ અભિયાનમાં તેમની સાથે સોશિયલ મીડિયા ઉપર દેશ-વિદેશના સેંકડો લોકો જોડાઈ અને તેમના આ અભિયાનને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી તેમજ હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બીના કોઠારી, જીતુ લાલ, મેરામણ ભાટુ, તમામ ધર્મના સાધુ મહાત્માગણ, સંતો સાથે સદગુરુના અનુયાયીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story