જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોચી છે, ત્યારે અહી આવતા પરિક્રમાર્થીઓના સામાન અને મોબાઈલ ચોરી થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.
તેવામાં પરિક્રમાર્થીઓના મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. નળ-પાણીની ઘોડીથી બોરદેવી જતાં પરિક્રમાના માર્ગ પર ભારે ભીડ વચ્ચે સતત પેટ્રોલિંગ કરતી જુનાગઢ પોલીસે શંકાના આધારે 4 શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. મોબાઈલની ચોરી કરતા સની, રાજુ, રમેશ અને દાદુ નામના શખ્શો પાસેથી પોલીસને રૂ. 1.90 લાખની કિંમતના 21 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, ત્યારે હાલ તો જુનાગઢ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.