જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. આ વર્ષે ગત નવેમ્બર મહિનામાં સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા 686 જેટલી સફળ ડિલિવરી કરવામાં આવી છે. એક તારણ મુજબ દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ હતું. આમ તો મહિલાઓની પ્રસૂતિ માટે લોકો ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોય છે. પરંતુ જુનાગઢની સિવિલ હોસ્પિટલ પણ હવે સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે. કારણ કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 686 જેટલી સફળ ડિલિવરી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ક્રિષ્ના મહેતાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ 2020માં સિવિલ હોસ્પિટલમાં કુલ ડિલિવરી કેસ 6971 નોંધાયા છે, જ્યારે વર્ષ 2021માં જાન્યુઆરીથી હાલ સુધીમાં 5513 ડિલિવરી નોંધવામાં આવી છે. જે અંતર્ગત ગત નવેમ્બર મહિનામાં કુલ 686 નોર્મલ ડિલિવરી અને 312 સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. જે આંકડો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સમકક્ષ છે. સિવિલ હોસ્પિટલના તમામ તબીબગણ તથા કર્મચારીઓ માટે આ ખુશીની વાત છે. ઓછા સ્ટાફગણ સાથે માત્ર એક જ મહિનામાં 686 જેટલી સફળ ડિલિવરી સિવિલ હોસ્પિટલ માટે એક મોટી ઉપલબ્ધી છે. જોકે, નબળી પરિસ્થિતના લોકો તો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે જ છે, સાથોસાથ હવે સધ્ધર લોકો પણ સિવિલ હોસ્પિટલમાં થતી સચોટ સારવાર અંગે માહિતગાર થઈને સારવાર લઈ રહ્યા છે.