પવિત્ર દામોદર કુંડની ખદબદતી હાલત
કુંડમાં ભળી રહ્યા છે ગટરના ગંદા પાણી
પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ
મનપાનું તંત્ર કુંડની પવિત્રતા જાળવી ન શક્યું
શ્રદ્ધાળુઓની કુંડની દુર્દશાથી ધાર્મિક લાગણી દુભાઈ
જુનાગઢનું પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે,અને તંત્ર દ્વારા કરોડો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કુંડની પવિત્રતા જાળવી શક્યા ન હોવાનું શ્રદ્ધાળુઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.
ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે,જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા આવે છે, પરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છે, ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી, અને ભાવિકોએ સરકારને વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે.
આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી,પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છે, આજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરકયા જ નહોતા, 8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું.