-
કેશોદના બિલ્ડરને થયો કડવો અનુભવ
-
વ્યાજખોરો સામે નોંધાવી હતી પોલીસ ફરિયાદ
-
પોલીસ કાર્યવાહી ન કરતા બિલ્ડર હતા પરેશાન
-
ભેજાબાજ શખ્સે PI મિત્ર હોવાની ઓળખ આપી કરી છેતરપિંડી
-
પોલીસ ફરિયાદ માટે રૂ.1 લાખ પડાવી લઈને કર્યો વિશ્વાસઘાત
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના બિલ્ડર હેતલકુમાર ઠુંબરને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો હતો,વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ તેમને લખાવી લીધેલા ફ્લેટ પરત આપતા નહોતા.તેથી બિલ્ડર હેતલકુમાર ઠૂંબરે દ્વારા પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ આપી હતી,પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓનો ફેબ્રુઆરી 2024ના અંતમાં વડોદરાના હિતેશ ગોહેલે સંપર્ક કર્યો હતો.
પોતાને સોશિયલ વર્કર ગણાવી કેશોદના પોલીસ ઇન્સ્પેકટર એ.બી. ગોહિલનો મિત્ર હોવાનો દાવો કર્યો હતો.FIR નોંધવામાં મદદ કરવાની લાલચ આપી તેણે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી, જે રકમ ફરિયાદીએ બે હપ્તામાં આંગડિયા મારફતે ચૂકવી હતી.
આરોપીએ ફરિયાદીને અમદાવાદના એડવોકેટ કેવલસિંહ રાઠોડ પાસે નવી અરજી લખાવવાનું કહ્યું, જે કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા, જેમાં આરોપીએ આનાકાની કરતા આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.