Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો...

ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

X

જુનાગઢ જિલ્લાના ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જોકે, આ દાવાની વચ્ચે હજુ પણ ગીરનાર પર પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ જીલ્લામાં ગીરનારને યાત્રાધામ તરીકે વિકસાવવાના દાવાઓ થઈ રહ્યા છે. પરંતુ પવિત્ર ગીરનાર ખાતે પીવાના પાણીની જ વ્યવસ્થા નથી. જેના કારણે દરરોજ હજારો યાત્રિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગીરનાર પર 100 જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનોમાં અગાઉ પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ થતું હતું. જેના કારણે યાત્રિકોને પાણીની અગવડતા પડતી ન હતી. પરંતુ પ્લાસ્ટિકની બોટલોના કારણે ગીરનારનું અભ્યારણ પ્રદૂષિત થતું હોવા મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન થતા હાઇકોર્ટે તંત્રનો ઉઘડો લીધો હતો. ત્યારબાદ કલેક્ટરે ગીરનાર પર પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુઓ વેચવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, ત્યારે હવે ગીરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ કે, પ્લાસ્ટિકની પેકિંગની કોઈપણ વસ્તુ વેચાતી ન હોવાનો હાઇકોર્ટમાં તંત્રએ દાવો કર્યો છે. પરંતુ આ દાવાની રિયાલિટી ચેક કરતા હજુ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે, અને ખુલ્લેઆમ યાત્રિકો પાણીની પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકની પેકિંગની ચીજવસ્તુઓ લઈ જતાં જોવા મળી રહ્યા છે.

જોકે, તંત્ર દ્વારા તાજેતરમાં જ મોટું ફંક્શન કરી ગીરનારની સીડી પર દુકાન ધરાવતા 100 જેટલા દુકાનદારોને 5-5 પાણીના કેરબાઓ આપવામાં આવ્યા છે. પરંતુ દુકાનદારો દાવો કરી રહ્યા છે કે, કેરબાઓ આપ્યા છે. પરંતુ ગીરનાર પર ક્યાંય પાણી નથી. મજૂરો મારફતે પાણી ગીરનાર પર પહોંચાડવું ખૂબ જ મોંઘું પડે છે. એક કેરબો પાણી ચઢાવવાની મજૂરી રૂ. 500 થતી હોવાથી કોઈપણ વેપારી પાણીના કેરબા મંગાવતા નથી. અમુક દુકાનદારો 60-70 રૂપિયા લઈ પાણીની બોટલોનું વેચાણ કરી રહ્યા હોવાનો યાત્રિકોએ આક્ષેપ કર્યો છે. હાઇકોર્ટના આદેશથી તંત્રએ પ્લાસ્ટિક પેકિંગની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. પરંતુ પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે ગીરનાર પર આવતા હજારો યાત્રિકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. જોકે, તંત્રએ ગીરનાર પર જતા યાત્રિકોને ચેકિંગ કરીને જ ઉપર મોકલવામાં આવશે તેવા દાવાઓ પણ કર્યા હતા. પરંતુ હાલ ગીરનારની સીડીના પ્રવેશ દ્વાર પર ક્યાંય ચેકિંગ કરવામાં આવતું હોય તેવું જોવા મળતું નથી.

Next Story