Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને નહીં રહે કોઈ સમસ્યા, કલેક્ટરે બેઠક યોજી 13 સમિતિની રચના કરી…

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.

X

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી. જેમાં 13 સમિતિની રચના કરી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે. આ લીલી પરિક્રમાનો રૂટ 36 કીમીનો છે. જોકે, લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનાર પરિક્રમા અનુંસંધાને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, લીલી પરિક્રમાના અનુસંધાનમાં 13 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ કાયદો અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખશે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ રૂટનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તૈનાત સ્ટાફને CPRની તાલીમ અપાશે, જેથી વધતાં હાર્ટ એટેકના કિસ્સામાં સરળતા રહે. તો બીજી તરફ, લોકોના આરોગ્યની સુવિધા માટે 108 ઈમરજન્સીની ટીમ પણ તૈનાત કરાશે. લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે. લીલી પરિક્રમામાં રૂટ ઉપર ગંદકી ન થાય તેનું સર્વે લોકો ધ્યાન રાખે તેવી પણ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અપીલ કરી છે.

Next Story