ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આણંદના બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે પરિજનોને ગુમાવનાર પીડિત પરિવારના10 જેટલા લોકો આવ્યા હતા. પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા.
તેઓ રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હતા. જોકે, પોલીસે આ લોકોને રાહુલ ગાંધીને મળવા જવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો. પીડિત પરિવારો અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ સાથે રકઝક કરી હતી, તેમ છતાં પોલીસે સુરક્ષાના કારણોને ટાંકીને પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નહોતી દીધી.
પોલીસે કહ્યું કોઈપણ વ્યક્તિ જેની પાસે વિઝિટિંગ કાર્ડ ન હોય તેને પ્રવેશ મળી શકે નહીં. તેથી અમે ફક્ત અમારી ફરજ નિભાવી હતી. આ દરમિયાન પોલીસના વલણ પર કોંગ્રેસી કાર્યકરો રોષે ભરાયા હતા. ઘટનાસ્થળે હાજર કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કે, દર વખતે આવુ કરવામાં આવે છે.રાજકોટ આગ દુર્ઘટના અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના વખતે પણ પીડિતોના પરિવારોને મળતા અટકાવાયા હતા.અને આ વખતે પણ આવું જ કરાયું. તેમણે કહ્યું રાહુલ ગાંધી પાસે પોતાની ખુદની પણ સિક્યોરિટી છે, તેથી સુરક્ષાના નામે પોલીસ ફક્ત સત્ય છુપાવવાનો પ્રયાસ કરે છે. જો કે બાદમાં ખુદ રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારોને મળવા માટે બોલાવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.