-
કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેલાયો ખૂની ખેલ
-
પાણખાણમાં શેઢા પાડોશી વચ્ચે થઈ હતી માથાકૂટ
-
2 પરિવારના ઝઘડો ઉગ્ર બનતા વૃદ્ધ ખેડૂતની હત્યા
-
મારામારીમાં અન્ય 5 લોકોને પણ પહોચી ગંભીર ઇજા
-
ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં પાડોશી ખેડૂત પરિવારો વચ્ચે માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી, જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં રહેતા 62 વર્ષીય પીઠરામ રાયમલ ગાંગણાં અને તેમના પાડોશી વચ્ચે જમીન સંબંધિત જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. શેઢા વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં બનેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો અથડાયા હતા.
આ અથડામણમાં પીઠરામ ગાંગણાંને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉપરાંત 5 જેટલા વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 2 વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાઓ થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
2 પરિવારો વચ્ચે થયેલી માથાકૂટ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ, કેશોદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા અંગે કેશોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.