મહાશિવરાત્રી 'મિની કુંભ' મેળા પૂર્વે તંત્ર એક્શનમાં આવ્યું
મહાશિવરાત્રિ મેળાને લઈ તંત્ર દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું
ગિરનાર દરવાજા સુધીમાં નડતરરૂપ દબાણકારોને સૂચના
ધારાગઢ દરવાજા નજીક 2 ધાર્મિક દબાણ પણ દૂર કરાયા
SDM, DYSP, મનપા દબાણ શાખા સહિતનો સ્ટાફ જોડાયો
જુનાગઢમાં શિવરાત્રીના મહાપર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરી દબાણકારોને સૂચના આપવામાં આવી હતી.
જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મેળાના સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાને 'મિની કુંભ'ના ધારાધોરણોને અનુસરીને આયોજિત કરવાનો હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, DYSP અને મનપાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગની રહેતી હોય છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ધારાગઢ નજીક આવેલા 2 ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીએ જણાવ્યુ હતું કે, રસ્તા પર નડતરરૂપ અન્ય દબાણોને પણ વહેલીતકે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે. અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.