ગરવા ગિરનારની ગોદમાં યોજાતી સૌરાષ્ટ્રની દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે લીલી પરિક્રમા તો થશે પરંતુ માત્ર 400 સાધુ-સંતોને જ આ પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે, કોરોના મહામારીના કારણે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ આ નિર્ણય સામે અનેક હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી છે.
સૌરાષ્ટ્રમાં દિવાળી સમાન યોજાતી એકમાત્ર લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજાશે. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જુનાગઢમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 2 વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું, ત્યારે આ વર્ષે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક દરમ્યાન લીલી પરિક્રમાને મંજૂરી તો આપવામાં આવી છે. પરંતુ આ પરિક્રમામાં માત્ર 400 સાધુ-સંતો જ ભાગ લઈ શકશે તેવો નિર્ણય અનેક હિન્દુ સંગઠનોને નારાજ કરી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર આ પરિક્રમા દરમ્યાન કોરોના ગાઈડલાઈનના પાલન સાથે માત્ર સાધુ સંતો જ જોડાઈ શકશે. જુનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો અને લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે, ત્યારે આ વર્ષે માત્ર 400 સાધુ-સંતો ને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવતા મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે.