પત્નીના આપઘાતનો મામલો
મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મૃતકના પિતાએ જમાઈ પર લગાવ્યો હતો આરોપ
પત્નીના આઘાતમાં પતિ સામે દુષ્પ્રેરણનો આરોપ
જુનાગઢ જિલ્લામાં એક અત્યંત દુઃખદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.આ ઘટનામાં પોલીસકર્મી પતિની ધરપકડ કરવામાં આવી છે.
જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો હોવા મામલે પરિણીતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મૃતક પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પોલીસકર્મીને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દયાતરની પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે મૃતક પરિણીતાના પિતાએ પોલીસકર્મી જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે, જમાઈ અન્ય સ્ત્રી સાથે અવૈધ સંબંધો રાખવાની સાથે મારી દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, પોલીસકર્મી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ રહેતો હતો. પતિનો ત્રાસ સહન કરી ન શકતા પત્નીએ મોતને વ્હાલું કર્યુ હોવાનો મૃતક પરિણીતાના પિતાએ આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલે પોલીસે પોલીસકર્મીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.