કોંગ્રેસની દસ દિવસીય પ્રશિક્ષણ શિબિર
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવ્યું આયોજન
કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટેનો પ્રયાસ
રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખોના લેશે ક્લાસ
દેશનો મુખ્ય મુદ્દો વોટ ચોરી હોવાનું જણાવતા રાહુલ ગાંધી
જુનાગઢમાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે,આ પ્રસંગે તેઓએ વોટ ચોરીને દેશનો મુખ્ય મુદ્દો હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. ત્યારે વિધાનસભા,સ્થાનિક સ્વરાજ સહિતની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. જુનાગઢમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ જુનાગઢ ખાતે શિબિરમાં જવા માટે રવાના થયા હતા.
કોંગ્રેસ દ્વારા પ્રદેશના નેતાઓ કરતા જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયું છે. હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઈ રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવ્યું છે. એવું પણ નક્કી કરાયું છે કે, ટોચના કેન્દ્રીય નેતાઓ ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં અડિંગો જમાવશે.
જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરી કેવી રીતે ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. જુનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી હવે મણિપુર ગયા છે,પરંતુ દેશમાં મુખ્ય મુદ્દો તો વોટ ચોરીનો છે.