જુનાગઢના ગિરનારના જંગલોમાં લાખો રૂપિયાના ચંદનના વૃક્ષની ચોરી થતાં વનવિભાગ દોડતું થયું છે, ત્યારે હાલ તો વનવિભાગે ચંદનના તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જુનાગઢના ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો આવેલા છે. અહી અવારનવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ત્યારે ગત રાત્રીના સમયે ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા લાલઢોરી નજીક એગ્રીકલ્ચરની જગ્યામાં રહેલા ચંદનના વૃક્ષની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી છૂટયા હોવાની ઘટના સામે પ્રકાશમાં આવી છે.
જેમાં 6થી 7 જેટલા ચંદનના મહાકાય વૃક્ષોની ચોરી થઇ છે. સમગ્ર મામલે જુનાગઢ વનવિભાગે તપાસ કરતાં 2 લાખથી વધુના ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે, રાત્રિના સમયે આ વિસ્તારમાં ગેટ બંધ હોવા છતાં ચંદનના વૃક્ષની ચોરી કેવી રીતે થઈ શકે તેવો સવાલ લોકોને મુંઝાવી રહ્યો છે, ત્યારે હાલ તો વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ચંદનના વૃક્ષની ચોરી કરનાર અજાણ્યા ઇસમોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.