જુનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
કેશોદમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ગયા બાદ કંટાળીને એરપોર્ટ રોડ પર ધાર વિસ્તારમાં સિંધી મંદિર નજીક રહેતાં વિનોદ રોચીરામાણીએ રૂ. 12 લાખ વ્યાજે લીધા હતા, જ્યારે તેના વ્યાજની રકમ ચૂંકવી દીધી હોવા છતાં વધુ 1 લાખ 24 હજારની વ્યાજખોરો દ્વારા માંગણી કરવામાં આવતી હતી. જેથી તેઓએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવાની ગોળીઓ ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. કેશોદ શહેરમાં ભૂંગળા તૈયાર કરી વેચવાનો ગૃહઉદ્યોગ ચલાવતાં વિનોદ રોચીરામાણીને સૌપ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, ત્યારે સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં કેશોદ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે કેશોદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી બીજો ભોગ લેવાયો છે. જે દર્શાવે છે કે, સરકારના આ અભિયાનથી કોઈ ફાયદો થયો નથી.