Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : વડોદરામાં એલએલબીની છાત્રા સાથે દુષ્કર્મ કરનાર પાવાગઢ ટ્રસ્ટનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ ઝડપાયો

X

વડોદરામાં રહેતી મુળ હરિયાણાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસતા ફરતાં આરોપી અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને પોલીસે જુનાગઢ ખાતેથી દબોચી લીધો છે.

વડોદરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટડ એકાઉટન્ટ અશોક જૈન વિરૂધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી બંને આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. બીજી તરફ વડોદરાનો આ હાઇપ્રોફાઇલ કેસ રાજયભરમાં ચર્ચાની એરણે ચઢયો છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી આ કેસ પહોંચ્યો છે ત્યારે વડોદરા પોલીસ તપાસમાં કોઇ કચાશ રાખવા માંગતી નથી. હાલ ફરિયાદી યુવતીને સાથે રાખી પોલીસ પુરાવાઓ એકત્ર કરી રહી છે તો બીજી ત્રણ ટીમો ફરાર આરોપીઓને ઝડપી પાડવાના કામે લાગી છે. ગઇકાલે પોલીસે હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરીયાની ધરપકડ કરી હતી. કાનજી મોકરીયાએ રાજુ ભટ્ટને ભાગવામાં મદદ કરી હોવાનો આરોપ છે. કાનજી મોકરીયા પોલીસના હાથ લાગી જતાં ગમે ત્યારે રાજુ ભટ્ટ ઝડપાય જશે તેવી ગણતરીઓ મંડાય હતી.

જે સાચી ઠરી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને જુનાગઢ પોલીસે આરોપી રાજુ ભટ્ટને જુનાગઢ ખાતેથી ઝડપી લીધો છે. આ કેસમાં અન્ય એક આરોપી અશોક જૈન હજી પોલીસને ચકમો આપી નાસતો ફરે છે. હરિયાણાની વતની એવી યુવતીએ નિસર્ગના ફલેટ નંબર 903માં રાજુ ભટ્ટ અને અશોક જૈને મારઝુડ કરી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રાજુ ભટ્ટ પાવાગઢના સુપ્રસિધ્ધ મંદિરના ટ્રસ્ટનો ટ્રસ્ટી છે અને તે રોકાણકાર તરીકેનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવતી સાથે વીતાવેલી અંગત પળોના ફોટા સામે આવ્યાં બાદ સમાજમાં અગ્રણી બનીને ફરતાં રાજુ ભટ્ટનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે. પોલીસે તેના નિવાસસ્થાનેથી વિદેશી દારૂની બોટલ તથા ત્રણ કાર કબજે લીધી છે જયારે તેનો પરીવાર ભુર્ગભમાં ચાલ્યો ગયો છે.

Next Story