/connect-gujarat/media/post_banners/569ed949fef503c6f29fe5b979936f877c7061e132913605ec31ecc4e67fd407.webp)
ખેડા જિલ્લામાં ચિલઝડપ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ દિવસને દિવસે સતત વધી રહ્યા છે. તેવામાં નડિયાદ શહેરમાંથી ચીલઝડપ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંતરામ મંદિરની પાછળ મધુપુષ્પ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય કિરણ પરીખ પોતે કેટરિંગનો વ્યવસાય કરે છે.
ગતરોજ સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ મોપેડ લઈને પોતાના ગોડાઉન પીપલગ ખાતે જવા નીકળ્યા હતા, અને ગોડાઉનમાં કામ પતાવી પોતાના કેટરિંગનું કામ શહેરના રામ નારાયણ સોસાયટી દેરી રોડ ખાતે ચાલતું હોય, ત્યાં ગયા હતા, જ્યાં અંદાજે 11 વાગ્યાની આસપાસ કિરણ પરીખ દેરી રોડ પરની રામનારાયણ સોસાયટીની બહાર પોતાના મ્પોએડ પર આવ્યા હતા. તે સમયે તેમના પાછળથી એક નંબર વગરની ફોર વ્હીલ કાર આવી હતી. કારમાં સવાર લોકોએ કિરણ પરીખને હાથનો ઇશારો કરી ઉભા રાખ્યાં હતા.
બાદમાં કાર ચાલક અને તેની બાજુની સીટ પર બેઠેલો અઘોરી જેવા દેખાતા ઈસમે રસ્તો પુછવાના બહાને કિરણ પરીખને નજીક બોલાવ્યા હતા. કિરણ પરીખે જેવું કારના દરવાજે હાથ મુકી માથુ નીચુ કરતા અઘોરીનો વેશ ધારણ કરી આવેલા વ્યક્તિએ કિરણ પરીખના હાથમાંથી લકી અને ગળામાં પહેરેલો સોનાની ચેઇન ઝુટવી આંખના પલકારામાં નીકળી ગયા હતા.
બનાવ સંદર્ભે કિરણ પરીખે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે 10 તોલા સોનાની લકી તથા 1 તોલા સોનાની ચેઇન મળી કુલ 2 લાખ 40 હજારના માલમત્તાની ચીલઝડપ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિનું પગેરું શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.