ખેડામાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટાડવા માટે વિશેષ ઝુંબેશનો પ્રારંભ સાથે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.
ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે દ્વારા ખેડા તાલુકાના પરસાતજ અને દેદરડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ૧૫માં નાણાં પંચના કામોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટે તે માટેની વિશેષ ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરસાતજના પાંચ અને દેદરડાના એક અતિ કુપોષિત બાળકને આ ગામોના આગેવાનો દ્વારા દત્તક લઈ પોતાના ગામને કુપોષણ મુક્ત બનાવવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.