Connect Gujarat
ગુજરાત

ખેડા : વિધાનસભા મત વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરશે "અવસર રથ"

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ખેડા : વિધાનસભા મત વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરશે અવસર રથ
X

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે ૯ નવેમ્બરથી શરૂ થયેલ આ અવસર રથ ૧૪ નવેમ્બર સુધી ''સ્વીપ'' (સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે ખેડા જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારમાં ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે.

આજ રોજ અવસર રથનું નડિયાદ કલેકટર કચેરી ખાતેથી ઢોલ-નગારા સાથે કલેકટર કે.એલ.બચાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું. સાથોસાથ કલેકટર કે.એલ.બચાણી દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતી માટે અવસર રથને લીલી ઝડી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સેવા સદનના તમામ અધિકારી અને કર્મચારીઓએ મતદાન અંગેની પ્રતિજ્ઞા લઈ અને અવસર રથના સેલ્ફી બુથ સાથે સેલ્ફી પડાવી હતી. અવસર રથ ખેડા જિલ્લામાં તા. ૦૯/૧૧/૨૦૨૨ ના રોજ ૧૧૬- નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોને મતદાન અંગેની જાગૃતિ માટે પરિભ્રમણ કરશે. તેમજ તા. ૧૦/૧૧/૨૦૨૨ના રોજ ૧૧૫-માતર વિધાનસભાના ક્ષેત્રમાં, તા. ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ ૧૧૭-મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રમાં , તા. ૧૨/૧૧/૨૦૨૨ના રોજ ૧૧૮-મહુધા વિધાનસભા ક્ષેત્રમાં તા. ૧૩/૧૧/૨૦૨૨ના રોજ ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં, અને તા. ૧૪/૧૧/૨૦૨૨ રોજ કપડવંજ વિધાનસભા ક્ષેત્રમાં એમ કુલ છ દિવસ અવસર રથ ખેડા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રોમાં ફરીને મતદાન અંગે લોકોને જાગૃત કરશે. લોકશાહીના આ અવસરે સમાજનાં દરેક વર્ગનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તથા વધુને વધુ લોકો મતદાન પરત્વે જાગૃત બને તે હેતુસર અવસર રથ દ્વારા સવારથી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે. ખાસ કરીને જાગૃતિ ભર્યા પેમફ્લેટના વિતરણ સાથે ઓછું મતદાન થતાં હોય તેવા વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ પ્રયાસો ''સ્વીપ'' દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

Next Story