રાજયમાં આગામી મહિને થનારી ગ્રામ પંચાયતોની ચુંટણી પહેલાં સરકારની આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે ઉજવાઈ રહેલા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ઐતિહાસિક ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મ નિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર કટિબદ્ધ છે.
ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.૫૩.૩૯ કરોડના ૧૯૩૬ જેટલા કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ ૩૪૦૬ લાભાર્થીઓને રૂ. ર.૮ર કરોડના યોજનાકીય લાભોના ચેક, લોન સહાયનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને રાજયની ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં સત્તા મેળવ્યા બાદ હવે ભાજપ ગ્રામ પંચાયતો હસ્તક કરવા માટે પણ કોઇ કસર બાકી રાખવા માંગતી ન હોય તેમ લાગી રહયું છે.