નાયબ બાગાયત નિયામક, ખેડા દ્વારા બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ, સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર, મહમ્મદપુરા, કપડવંજ ખાતે યોજાઈ હતી.
ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલના આશરે ૫૦ ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી અપનાવા અંગે જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવા માટે નાયબ બાગાયત નિયામક, ખેડા દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ખેડૂતોના કુલ ૨૨ ટ્રેક્ટરનું તથા ૨ સ્પ્રે પંપનું વેરિફિકેશન કરવામાં આવ્યું. પ્રતિ ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતા પિલ્લાઈ દ્વારા બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી આપી ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનો લાભ લેવા તથા તેમના મિત્રોને પણ બાગાયતી ખાતાની યોજનાઓનો લાભ લેવામાં મદદ કરવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે ખેડૂતોને ખાસ તેમને ત્યાં આવતા શ્રમિક ને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વીમો અપાવવા મદદ કરવા અપીલ કરી હતી. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, કીટનાશક, ઇયળ નિયંત્રણ માટેના ઉપાયો અને મીલેટ્સ એટલે કે, શ્રી અન્નના ફાયદા જણાવવામાં આવ્યા. તથા બાજરી, જુવાર વગેરેના વાવેતર અને ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને મીની રોટાવેટરના ઉપયોગનું ડેમોસ્ટ્રેશન કરી તેનો માટીને નરમ કરવા અને નિંદામણ માટેનો લાભ જણાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ બાગાયત અધિકારી જૈમીન પટેલ, મદદનીશ ખેતી નિયામક પંકજ પટેલ, બાગાયત અધિકારી હરેશભાઈ, તાલુકાના આત્માના સ્ટાફ, TMT, FMT સહિત મોટી સંખ્યામાં કપડવંજ અને કઠલાલના ખેડૂતો હાજર રહ્યા હતા.