Connect Gujarat
ગુજરાત

કચ્છ : 70 વર્ષીય વૃદ્ધાએ આપ્યો બાળકને જન્મ, લગ્નના 45 વર્ષ બાદ કરાવી ટેસ્ટટ્યુબની સારવાર

X

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં પણ મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે, ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષ બાદ પારણું બંધાયું છે. વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષની વૃદ્ધાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામે એક 70 વર્ષની વૃદ્ધા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. જોકે, વૃદ્ધ દંપતી બધી વાતે સુખી હતું, પરંતુ શેર માટીની ખોટ હતી. ની: સંતાન દંપતી 4 દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે, ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે. જોકે, મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ન હતું, ત્યારે સમય બહુ વીતી જતા અંતે આ બુજર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો. નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે પણ પોતાની સારવાર શરૂ કરાવી હતી. અંતે જીવુંબેન રબારીએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. બુજર્ગ દંપતીના પરિવારમાં પારણું બંધાતા ખુશી વ્યાપી ગઈ છે.

જોકે, 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પ્રથમ પ્રયત્ને બાળક રહી ગયું હતું, ત્યારે રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો ન હતો. 75 વર્ષના માલધારી વાલાભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા તેઓએ પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ "લાલો " રાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક જન્મતા તબીબી ટીમની મહેનત પણ રંગ લાવી હતી.

Next Story