Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ, જુઓ કોના પુત્રનું નામ બહાર આવ્યું..!

કચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર થતાં બાયો ડિઝલના વેચાણ પર સપાટો બોલાવી લાખો લીટર બેઝ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે.

X

કચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર થતાં બાયો ડિઝલના વેચાણ પર સપાટો બોલાવી લાખો લીટર બેઝ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, આ પ્રકરણમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના પુત્રનું નામ બહાર આવતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

માંડવી તાલુકાના બીદડા ગામે બાયો ડિઝલના વેચાણ પર પોલીસ દ્વારા પાડવામાં આવેલો દરોડો સમગ્ર જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ પ્રકરણમાં કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીના પુત્ર હરિ ગઢવીનું નામ બહાર આવ્યું છે. કારોબારી ચેરમેનના પુત્ર હરિ ગઢવીની મિલમાંથી ભરાયેલુ ગેરકાયદેસર બાયો ડિઝલ માંડવી પોલીસે જપ્ત કરી કારોબારી ચેરમેનના પુત્ર સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનો પુત્ર જ ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપાર કરે છે. જેથી કહી શકાય કે, સરકાર અને સંગઠનની ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો માત્ર હવામાં જ રહી ગઈ છે.

આ બાબતે ભુજ ડિવિઝનના ડીવાયએસપી જે.એન.પંચાલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગત તા. 4થી જુલાઈની રાત્રે બાતમીના આધારે માંડવી પોલીસે બિદડા ગામ પાસેથી 52 હજારની કિંમતના 800 લિટર બેઝ ઓઈલ ભરેલાં મીની લોડીંગ ટેમ્પો (છોટા હાથી) સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. 200-200 લિટરના 4 બેરલમાં 800 લિટર બેઝ ઓઈલ ભરેલું હતું. પોલીસે ડ્રાઈવર મનીષ ઊર્ફે મનોજ સોલંકી અને ભાવેશ ધીરજલાલ ધોળુની પૂછતાછ કરતાં ભાવેશે બેરલમાં બેઝ ઓઈલ હોવાનું અને પોતાની ટ્રકો માટે લઈ જતો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ આ બેઝ ઓઈલ નાની ભુજપર-ઝરપરા પાસે આવેલ ઓઈલ મિલમાંથી હરી ગઢવીએ ભરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભાવેશ ધોળુ, મનીષ ચાંપશી સોલંકી, હરી ગઢવી અને અશોક સેડા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપીઓએ ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો રાખ્યા વગર અને સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક લાભ લેવાના હેતુથી ઈંધણ તરીકે પૂરવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી તેમજ હેરાફેરી કરવા બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની તેમજ આઈપીસી કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હાલ તો પોલીસ દ્વારા આરોપીઓ સામે પૂરતા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જે બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Next Story