/connect-gujarat/media/post_banners/cf28dbe88ec8dde41bc5136a7cc57bc6fc171305082f6629d5380fd54dddab22.jpg)
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજથી 25 દિવસ અગાઉ થયેલ જૈન અગ્રણીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં આરોપીએ પોતાના દિકરાની ફી ભરવા આધેડનો જીવ લીધો હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગત તા. 26મી એપ્રિલની બપોરે 2 વાગ્યાના સમયગાળા દરમ્યાન વડાલા રેલ ફાટક નજીકની સીમમાંથી મૂળ વડાલાના અને ધધાર્થે મહારાષ્ટ્રના થાણાંના ડોમ્બીવલીમાં વસવાટ કરતા 52 વર્ષીય મનસુખ માવજી સતરાનો મૃતદેહ બેરહેમી પૂર્વક ગળું કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવને પગલે મુન્દ્રા મરીન સાથે જિલ્લા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. મૃતકના સંપર્કમાં રહેલા લોકોના નિવેદન ઉપરાંત તેના મોબાઈલની કોલ ડિટેઇલ ચકાસવામાં આવી હતી. આમ 25 દિવસના વ્યાયામ બાદ પોલીસની રડારમાં આવેલા પ્રથમ શકમંદ વાલા નાગશી ગઢવીની સઘન પૂછતાછ હાથ ધરાતા તે ભાંગી પડ્યો હતો. વાલા નાગશી ગઢવીએ દિકરાની શાળા ફી ભરવા હત્યાના હિચકારા કૃત્યને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં તમામ ગતિવિધીઓ પરથી પરદો ઉંચકાયો હતો, ત્યારે હાલ તો પોલીસે આરોપીને દબોચી લઇ સોનાના પેંડલ અને બાઈક સમેત રૂપિયા 1.21 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.