હરિયાણાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ
સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીની ઘટના
એલસીબીએ ટેન્કર ઝડપી લઈને કરી કાર્યવાહી
પોલીસે 2.50 કરોડનો વિદેશી દારૂ કર્યો જપ્ત
છોટાઉદેપુર એલસીબી પોલીસે પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક સિમેન્ટ ટેન્કર ઝડપી પાડ્યું છે. આ ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
છોટાઉદેપુર એલસીબી પોલીસને સિમેન્ટના ટેન્કરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને હરિયાણાથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી,જે બાતમીને આધારે એલસીબીની ટીમે પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક સિમેન્ટ ટેન્કર ઝડપી પાડ્યું હતું. આ ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં દારૂનો આ મોટો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે સિમેન્ટ ભરવાના ઔદ્યોગિક ટેન્કરનો ઉપયોગ કર્યો હતો અને દારૂને ટેન્કરની અંદરની ખાસ ગુપ્ત જગ્યામાં છુપાવ્યો હતો. એક અંદાજ મુજબ, ટેન્કરમાંથી 700થી પણ વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની કિંમત 2 કરોડ 50 લાખ 7 હજાર 520 રૂપિયા આંકવામાં આવી છે.વધુમાં રૂપિયા 20 લાખનું ટેન્કર અને અન્ય માલસામાન મળીને કુલ રૂપિયા 2 કરોડ 70 લાખ 14 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,અને ટેન્કર ચાલક રાજસ્થાનના બાડમેરના મહેશ જાટ નામના વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.