વલાદર ગામે દીપડાનો હિંસક હુમલો
50 વર્ષીય મહિલા પર દીપડાનો હુમલો
યુવકે બચાવ્યો મહિલાનો જીવ
દેકારો કરતા દીપડો ભાગી ગયો
ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામમાં દીપડાએ 50 વર્ષીય મહિલા પર હુમલો કર્યો હતો, એક યુવકે મહિલાનો જીવ બચાવ્યો હતો,અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાય ગયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શનિવારની સાંજે 6:30 વાગ્યાની આસપાસ સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતા હરસુખ નામના યુવકે જોરથી દેકારો કરતા દીપડા મહિલાને છોડીને ભાગી ગયો હતો.
દીપડાના હુમલામાં રસીદાબેનને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસ દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ગ્રામજનોમ ભયનો માહોલ છવાય ગયો છે,અને વન વિભાગ દ્વારા ત્વરિત દીપડાને પાંજરે પુરાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.