-
ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ નજીક અકસ્માત
-
સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત
-
સ્કૂલવાન પલટી મારી જતાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યા
-
સ્થાનિકોએ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા
-
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ નજીક સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્કૂલવાન પલટી મારી જતાં લોકોએ દોડી આવી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં એક્સિડન્ટ ઝોન બનેલા ડીસા-પાલનપુર હાઇવે પર અગાઉ અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાય ચૂક્યા છે. જેમાં કેટલાકે તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, ત્યારે ડીસા-પાલનપુર હાઇવે પર વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રસાણાથી ડીસા તરફ જતી સ્કૂલવાનને ભોયણ નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી.
સ્કૂલવાન પલટી મારી જતાં સ્થાનિકોએ દોડી આવી સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, સ્કૂલવાનમાં સવાર કેટલાક વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જ્યારે પોલીસ દ્વારા પણ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.